ગણેશ ચતુર્થી: આ સામગ્રી વગર ગણપતિ પૂજા રહેશે સાવ અધૂરી, ખાસ જાણો
Trending Photos
મુંબઈ: આજે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. ચારેબાજુ ગણપતિ બાપ્પા મોર્યાનો નાદ મનને મંત્રમુગ્ધ કરે તેવો છે. વાતાવરણ એકદમ પવિત્ર અને ગણેશજીના રંગમાં રંગાયેલું છે. શ્રદ્ધાળુઓ ગણપતિ બાપ્પાની પોતાના ઘરે વાજતે ગાજતે પધરામણી કરે છે અને દોઢ દિવસથી લઈને 10 દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરે છે. ગણપતિ બાપ્પાને રિઝવવા અને વર્ષો વર્ષ પોતાના ઘરે આવે અને વિધ્નો હરે તે માટે ગણેશ ચતુર્થી પર ખાસ પૂજા કરવામાં આવતી હોય છે.
પરંતુ શું તમને ખબર છે કે આ પૂજા માટે ખાસ પૂજા સામગ્રીની જરૂર હોય છે? બિલકુલ ચિંતા ન કરો. અહીં તમને તે પૂજા સામગ્રી વિશે જણાવીએ છીએ. ગણપતિ પૂજામાં ખાસ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તે જાણી લો.
લાલ જાસૂદના ફૂલ
ભગવાન ગણેશજીને લાલ જાસૂદના ફૂલ ખુબ પ્રિય હોય છે. લાલ જાસૂદના ફૂલ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. કારણ કે આ ફૂલ એકદમ રેડિયન્ટ અને ખુશનુમા સુંગંધ ધરાવે છે. જાસૂદના તાજા ફૂલ સુંદરતા, શુદ્ધતા, કોમળતા અને સુગંધનું પ્રતિક છે.
સોપારી
સોપારી એ ઈગોનું પ્રતિક છે અને તે ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. મનુષ્ય પોતાનો ઈગો (અહમ) ભગવાનના ચરણોમાં છોડી દે છે અને ત્યારબાદ તેનામાં ફક્ત કોમળ, શુદ્ધ ગુણો રહે છે. આ વસ્તુ ભગવાનના આશીર્વાદ ઈગો વગર લેવાની વાતને પણ દર્શાવે છે.
નારિયેળ
શ્રીફળ તરીક પણ ઓળખાય છે. નારિયેળનો દરેક ભાગ આપણને કોઈક ને કોઈક રીતે કામમાં લાગે છે. ગણેશ પૂજામાં તે ભગવાન શિવની ઉપસ્થિતિ દર્શાવે છે. જે સ્વર્ગના દરેક દેવતાના આશીર્વાદ મળે તે માટે હોય છે.
નારિયેળને તોડવું એ જીવનમાં મુશ્કેલીઓનો નાશ કરવો એ દર્શાવે છે અને ગણેશ ભગવાન જે વિધ્નહર્તા પણ કહેવાય છે તે આ કારણે પણ પૂજાય છે. ગણેશજીનું પૂજન જીવનમાંથી વિધ્નોને દૂર કરવા માટે થાય છે.
કંકુ અને ચંદન
સિંદૂર કે કંકુનો ઉપયોગ ગણેશપૂજામાં ખાસ કરાય છે. જે અતરાત્માની શુદ્ધતા અને સુરક્ષા માટે ઉપયોગમાં લેવાય છે. ચંદન તેની પવિત્ર ખુશ્બુ અને ઠંડક માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભગવાનના કપાળ પર કરાય છે.
મૌલી- લાલ દોરો (નાડાછડી)
મૌલી કે કલવા એ સુતરનો લાલ દોરો હોય છે જે ખુબ પવિત્ર ગણાય છે. જેને નાડાછડી પણ કહે છે. આ દોરાનો ઉપયોગ ભગવાનને વસ્ત્ર ચડવવા માટે થતો હોય છે. કળશને ફરતે આ દોરો બાંધવામાં આવે છે. નાડાછડી એ હિંદુઓના તમામ પવિત્ર રિતિઓમાં ઉપયોગમાં લેવાય છે.
દુર્વા ઘાસ
દુર્વા ઘાસ એ ફળદ્રુપતા અને નવસર્જનનું પ્રતિક ગણાય છે. ગણેશજીને દુર્વા ઘાસ ચડાવવામાં આવે છે.
ધૂપ અને દીવા
ગણેશજીને ધૂપ કરવામાં આવે છે. ધૂપની સુવાસનો ભગવાન ગણેશને આનંદિત રાખવા અને વાતવરણની શુદ્ધિ માટે ઉપયોગ કરાય છે. દીવાબત્તીથી પૂજાના સ્થળની આજુબાજુથી નકારાત્મક શક્તિઓને દૂર કરાય છે અને પ્રકાશ ફેલાવવામાં આવે છે.
મોદક
ભગવાન ગણેશને મોદક અત્યંત પ્રિય છે. ગણેશ પૂજામાં મોદક ખુબ જરૂરી છે. મોદક વગર પૂજા સાવ અધૂરી છે. પૂજામાં 21 મોદકનો પ્રસાદ અવશ્ય ધરાવવામાં આવે છે.
ગણપતિ બાપ્પા મોર્યા!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે